ટીપી-77 વિસ્તારમાં AMC પર ગેરકાયદેસર ડ્રેનેજ લાઇન નાખવાનો આરોપ, હાઈકોર્ટના આદેશની અવગણનાનો મુદ્દો
અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા હાથીજણ ગામના ટીપી-77 વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે લાઇન નાખી ગટરનું પાણી સીધું નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના વિરુદ્ધ છે. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડવાના સાથે સાથે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને આ ગંદા પાણીમાંથી આવતી દુર્ગંધને કારણે આસપાસના લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
“હાઈકોર્ટના આદેશની અવગણના? ગંદા પાણીથી લોકોમાં રોષ અને ભય”
વિસ્તારમાં આવેલી ભારત સરકાર માન્ય નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ આ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. ગંદકી અને દુર્ગંધને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થયો છે, જે મુદ્દે વાલીઓ અને સંચાલકોમાં પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ગટરનું પાણી ખારી નદીમાં છોડાતા ખેતી માટેના પાણીની ગુણવત્તા ખરાબ થઈ રહી છે, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. સાથે જ આ પાણીથી ચેપજન્ય રોગો ફેલાવાની શક્યતા પણ વધી રહી છે.
આ મુદ્દે સ્થાનિક ખેડૂતો અને રહીશોએ એકજૂથ થઈને મુખ્યમંત્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક અસરથી આ ગંદા પાણીનો પ્રવાહ બંધ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો