અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મિલકત સંબંધી ગુનાનો સફળ ભેદ ઉકેલી ચોરીમાં ગયેલો ૧૦૦ ટકા મુદ્દામાલ પરત મેળવી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની સતર્ક કામગીરીને કારણે ટૂંકા સમયમાં જ ગુનાનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ દ્વારા જિલ્લામાં વધતા મિલકત સંબંધી ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને ધોળકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી દ્વારા પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો વધુમાં વધુ ઉપયોગ કરી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ દરમિયાન ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ તા.૨૭/૦૨/૨૦૨૬ના રોજ ધોળકા નગરપાલિકા પાછળ આવેલા કંપાઉન્ડમાંથી અજાણ્યા ચોર ઇસમોએ નગરપાલિકાની બે ગાડીઓમાંથી બેટરી ચોરી કરી હતી. જેમાં Ashok Leyland Dost ગાડી નંબર GJ-38-G-0336માંથી એક બેટરી તથા GJ-38-G-0096 નંબરની ગાડીમાંથી એક બેટરી ચોરી થઈ હતી. કુલ બે બેટરીની અંદાજિત કિંમત રૂપિયા ૧૦,૦૦૦ જેટલી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એન. પારગીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને ચોરોને ઝડપવા અને મુદ્દામાલ શોધવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળતા પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી અને ત્રણ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.પકડાયેલા આરોપીઓમાં બંશીલાલ મંગલભાઈ ગુજ્જર, રહે. બદરખા ગામ, તા. ધોળકા (મૂળ રહે. પીપરડા ગામ, રાજસમંદ, રાજસ્થાન), ઇરફાનખાન ઇમ્તિયાઝખાન પઠાણ, રહે. ગાંગડગામ, તા. ધોળકા અને મોનીશમિયા યાસીનમિયા શેખ (ઉ.વ.૨૪) રહે. ખલ્લકપુરા, ધોળકા નો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી EXIDE કંપનીની બે બેટરી (કિંમત અંદાજે રૂ.૧૦,૦૦૦), ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી સફેદ રંગની અલ્ટો કાર નંબર GJ-38-BH-3316 (કિંમત અંદાજે રૂ.૩૦,૦૦૦) તેમજ જુદી જુદી સાઇઝના પાના ધરાવતું લાલ કલરનું ટૂલ બોક્સ કબ્જે કર્યું છે.ધોળકા ટાઉન પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક તપાસના પરિણામે ચોરીનો ગુનો ટૂંકા સમયમાં ઉકેલી ૧૦૦ ટકા મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મળી છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો