. વિદેશ જતાં પહેલાં સાવધાન! ઇમિગ્રેશન અને વિઝા પ્રક્રિયા અંગે અમદાવાદમાં યોજાયો સેમિનાર
ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRG Foundation), ગાંધીનગર અને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના NRG સેન્ટરના સંયુક્ત સહયોગથી અમદાવાદમાં ઇમિગ્રેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 ઑક્ટોબર, 2026ના રોજ આશ્રમ રોડ સ્થિત GCCI ખાતે યોજાયેલા આ સેમિનારનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન સંબંધિત પ્રશ્નો, બદલાતા વિઝા નિયમો, વિદેશમાં નિવાસની મુશ્કેલીઓ અને ભારત પરત ફરતી વખતે ઊભા થતા પડકારો અંગે લોકોને જાગૃત કરવાનો હતો.
અમદાવાદમાં ઇમિગ્રેશન અવેરનેસ સેમિનાર યોજાયો, વિઝા નિયમો અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
કાર્યક્રમની શરૂઆત GCCIના NRG ટાસ્કફોર્સનાં ચેરપર્સન વિતસ્તા કૌલ વ્યાસના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે બિનનિવાસી ગુજરાતીઓ (NRGs) અને તેમના પરિવારોને ઇમિગ્રેશન સંબંધિત પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બને તેવા જાગૃતિ કાર્યક્રમોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.ત્યારબાદ GCCIના NRG ટાસ્કફોર્સના કમિટી મેમ્બર જયેશ પરીખે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇમિગ્રેશનના નિયમોમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને વિશ્વસનીય માહિતી અને યોગ્ય માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત સમજાવી હતી
વિદેશમાં નોકરીથી લઈને ભારત પરત ફરવા સુધીના પડકારો, અમદાવાદના સેમિનારમાં મળી મહત્વપૂર્ણ માહિતી
આ પ્રસંગે ગાંધીનગર સ્થિત NRG ફાઉન્ડેશનના મામલતદાર ચૈતન્ય સંઘાણીએ ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે બિનનિવાસી ગુજરાતીઓને માહિતી, સંસ્થાકીય સહાય અને વિવિધ સ્તરે સંકલન દ્વારા સહયોગ પૂરો પાડવામાં ફાઉન્ડેશનની ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.સેમિનારના મુખ્ય વક્તા જનક નાયકે વિઝા અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ, નિવાસ સંબંધિત શરતો, જરૂરી દસ્તાવેજો તથા વિદેશથી ભારત પરત ફરતી વખતે ઊભા થતા પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદેશમાં રોજગાર મેળવવા સહિતના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે સત્તાવાર માધ્યમો દ્વારા માહિતીની ખરાઈ કરવા અને લાયકાત ધરાવતા નિષ્ણાતોની સલાહ લેવા અપીલ કરી હતી.
NRG ફાઉન્ડેશન અને GCCIની પહેલ: ઇમિગ્રેશનના પડકારો અંગે લોકોને કરાયા જાગૃત
સેમિનાર દરમિયાન યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિતોએ વિઝા પ્રક્રિયા, ઇમિગ્રેશનના નિયમો અને વિદેશમાં નિવાસ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. નિષ્ણાતોના માર્ગદર્શનથી સહભાગીઓને પોતાના પ્રશ્નો અંગે યોગ્ય માહિતી મેળવવાની તક મળી હતી.કાર્યક્રમના અંતે GCCIની NRG કમિટીના કો-ચેરમેન શાશ્વત દેસાઈએ આભારવિધિ કરી હતી અને વક્તાઓ, આયોજકો તથા ઉપસ્થિત સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Average Rating
More Stories
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની ભવ્ય ઉજવણી!
વટવા પોલીસની મોટી કાર્યવાહી: મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અબ્દુલસમદ ઉર્ફે બાબા શેખની પાસા હેઠળ અટકાયત
અમદાવાદમાં મિલકત સંબંધી ગુનાના આરોપી સામે PASA હેઠળ કાર્યવાહી