અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આજે રાજકીય અને વિદ્યાર્થી વર્તુળોમાં ચર્ચા જગાવનાર ઘટના બની હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા NSUIના નેતાઓને પોલીસે કેમ્પસમાંથી અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી અને શહેર પ્રમુખ ચિરાગ દરજી સહિતના કાર્યકરો મુખ્યમંત્રીશ્રીને મળવા માટે માત્ર પાંચ મિનિટનો સમય માંગવા કેમ્પસમાં પહોંચ્યા હતા. NSUIના નેતાઓનો દાવો છે કે તેઓ યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ અંગે પુરાવા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવા માંગતા હતા.NSUIના જણાવ્યા અનુસાર તેઓએ કોઈ પ્રકારનું આંદોલન કે હંગામો કર્યો નહોતો અને માત્ર પાંચ પ્રતિનિધિઓને મુખ્યમંત્રીને મળવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી. તેમ છતાં રજૂઆત થાય તે પહેલા જ પોલીસને બોલાવી કેમ્પસમાંથી તેમને અટકાયત કરવામાં આવી હોવાનું આરોપ છે
વિદ્યાર્થી સંગઠન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ ચાલુ રહેશે તો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ આ મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવશે.
વિદ્યાર્થી સંગઠન NSUIએ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં સેટિંગ અને લાગવગ દ્વારા અયોગ્ય રીતે ભરતી કરવામાં આવી રહી છે અને લાયક ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ અંગેના પુરાવા તેમની પાસે હોવાનું પણ સંગઠનનો દાવો છે.NSUIના નેતાઓએ જણાવ્યું કે શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવાને બદલે પોલીસનો ઉપયોગ કરવો એ લોકશાહી માટે યોગ્ય નથી. તેમની દલીલ છે કે સરકારને ભરતી કૌભાંડ બહાર આવવાનો ભય હોવાથી રજૂઆત થાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.NSUIના શહેર પ્રમુખ ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે તેઓ કોઈ ગુનેગાર નથી પરંતુ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા વિદ્યાર્થી પ્રતિનિધિઓ છે. તેઓ માત્ર મુખ્યમંત્રી સાથે પાંચ મિનિટની મુલાકાત માંગતા હતા, પરંતુ તેના બદલે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું.આ ઘટનાને લઈને NSUIએ માંગ કરી છે કે ચિરાગ દરજી સહિત અટકાયત કરાયેલા તમામ કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ ભરતી પ્રક્રિયામાં થયેલા કથિત કૌભાંડ અંગે NSUIના પ્રતિનિધિઓને મળીને યોગ્ય તપાસના આદેશ આપવા જોઈએ.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો