ગુજરાતીઓને ‘મૂર્ખ’ કહેવાના વિવાદે રાજકીય તાપમાન ચડ્યું, ભાજપનો કોંગ્રેસ પર તીખો પ્રહાર, ખડગે અને રાહુલ ગાંધીના નિવેદનોને ગણાવ્યા અપમાનજનક, ગુજરાતની અસ્મિતા પર હુમલો કહી જનતાને અપિલ કરી જડબાતોડ જવાબ આપવા કહ્યું
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આજે જાહેર કરાયેલ પ્રેસનોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.ડૉ. પટેલે જણાવ્યું હતું કે કરોડો ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહેવું માત્ર શબ્દોનો ઉપયોગ નથી, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. તેમણે આ નિવેદનને ગુજરાતની અસ્મિતા અને ગરિમાનો ઘોર અપમાન ગણાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસને ગુજરાતીઓ પ્રત્યે કોઈ વેરભાવ છે ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ અને દેશપ્રેમને અવગણવાની માનસિકતા કોંગ્રેસમાં કેમ છે
ગુજરાતીઓને અપમાન મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર તીખો પ્રહાર
તેમણે આગળ કહ્યું કે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, ડૉ. વિક્રમ સારાભાઈ અને કનૈયાલાલ મુનશી જેવા મહાન વ્યક્તિત્વો આપ્યા છે. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે, જે કોંગ્રેસને સહન થતું નથી. તેમણે કોંગ્રેસને 2014થી સત્તા ગુમાવ્યા પછી “જલ બિન મછલી” જેવી સ્થિતિમાં હોવાનું પણ જણાવ્યું.ડૉ. પટેલે કોંગ્રેસના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે નેહરુના સમયમાં સરદાર પટેલનો વિરોધ થયો હતો, ઇન્દિરા ગાંધીને સત્તાથી દૂર કરનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતમાંથી હતા અને હવે સતત ત્રણ વખત મોદી-શાહની જોડીએ કોંગ્રેસને પરાજિત કરી છે. આ બધાના કારણે કોંગ્રેસમાં ગુજરાત પ્રત્યે ખીજ જોવા મળે છે.તેમણે મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ કદાચ રાહુલ ગાંધી દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ખડગેજીના નિવેદનોમાં ગુજરાત પ્રત્યે નફરત દેખાય છે. અગાઉ પણ વડાપ્રધાન મોદીને ‘100 માથાવાળા રાવણ’ કહી ચૂકેલા ખડગે હવે વધુ આક્રમક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે તાજેતરમાં આસામમાં ભાજપ અને આરએસએસ અંગે આપેલા નિવેદનોથી પણ તેમની ભાષા અને વિચારસરણી સ્પષ્ટ થાય છે.
ડૉ. પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતીઓને ‘કૌભાંડી’ કહેવાના રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે ખડગે દ્વારા જનતાને ‘મૂર્ખ’ કહેવું કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. તેમણે બંને નેતાઓ પર તીખો પ્રહાર કરતાં કહ્યું કે આવા નિવેદનો માનસિક અસંતુલન દર્શાવે છે.તેમણે કોંગ્રેસના ભૂતકાળના નિર્ણયો પર પણ સવાલ ઉઠાવ્યા. સરદાર પટેલના સ્ટેચ્યુનો વિરોધ, વાયબ્રન્ટ ગુજરાતમાં રોકાણકારોને નોટિસો, નર્મદા યોજનામાં અવરોધ અને ખેડૂતોની સબસિડીમાં કાપ જેવા મુદ્દાઓ ઉઠાવી કોંગ્રેસની નીતિઓની ટીકા કરી. તેમણે જણાવ્યું કે ગુજરાત આજે શાંતિ, સલામતી અને વિકાસનું પ્રતિક છે, જે અહીંના લોકોના પરિશ્રમનું પરિણામ છે.રાજનીતિના સ્તર અંગે વાત કરતાં ડૉ. પટેલે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી ભાષાનો ઉપયોગ તેમની બૌદ્ધિક નાદારી દર્શાવે છે. તેમણે વ્યંગ્ય કરતાં કહ્યું કે કદાચ રાજ્યસભામાં સ્થાન જાળવવા માટે ખડગે આવા નિવેદનો આપી રહ્યા છે.અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના સમજદાર મતદાતાઓ યોગ્ય સમયે જવાબ આપશે. તેમણે જણાવ્યું કે દેશના GDPમાં મહત્વનો ફાળો આપતું અને ફાર્મા, કેમિકલ તેમજ જેમ્સ-જ્વેલરી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતું ગુજરાત ક્યારેય ‘મૂર્ખ’ હોઈ શકે નહીં. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે અને ભવિષ્યમાં પણ EVM દ્વારા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો