બેરર ચેકથી પગાર, રેકોર્ડ ગાયબ: ગ્રામ પંચાયતનો મોટો ગોટાળો ACB સમક્ષ ખુલ્યો
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ ગામમાં ગ્રામ પંચાયતના નાણાંકીય ગેરવહીવટનો મોટો ભાંડો ફૂટતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સત્તાના દુરૂપયોગનો ગંભીર ગુનો નોંધ્યો છે. આ કેસમાં તત્કાલિન સરપંચ શ્રીમતી રેખાબેન સંજયકુમાર પારેખ અને તત્કાલિન તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા સામે રૂ. 1,55,23,420/- ના ગેરવહીવટના આક્ષેપો કરવામાં આવ્યા છે.આ ગુનો તા. 25 માર્ચ 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એન. જાદવ દ્વારા નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 દરમિયાન પંચાયતના સ્વભંડોળમાંથી થયેલા વિવિધ ખર્ચોમાં ભારે નાણાકીય અનિયમિતતાઓ થઈ છે.માટી પુરાણ, પાણી પુરવઠા, ઉત્સવ ઉજવણી અને કર્મચારીઓના પગાર જેવા વિવિધ હેડ હેઠળ થયેલા ખર્ચ માટે કોઇ સત્તાવાર ઠરાવ કે તાંત્રિક મંજૂરી લેવામાં આવી નહોતી. આ ઉપરાંત પંચાયતના રેકોર્ડમાં પણ આ ખર્ચ સંબંધિત જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ નથી, જે સમગ્ર મામલાને વધુ શંકાસ્પદ બનાવે છે
પગારથી લઈને વિકાસ કામોમાં ગેરરીતિ: ACBએ પકડી ₹1.55 કરોડની .મહિલાઓની ફરિયાદો અવગણાઈ, આખરે ACB સુધી પહોંચ્યો ભ્રષ્ટાચારનો મામલો
ખાસ કરીને કર્મચારીઓના પગાર ચુકવવામાં પણ નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ પગાર સીધો કર્મચારીઓના બેંક ખાતામાં જમા થવો જોઈએ, પરંતુ અહીં તમામ પગાર ગામના VCEના નામે બેરર ચેક દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. આ રીત નાણાકીય પારદર્શિતાના અભાવ અને ગેરરીતિઓ તરફ સ્પષ્ટ સંકેત આપે છે.આરોપ છે કે બંને અધિકારીઓએ મળીને પોતાના હોદ્દાની સત્તાનો દુરુપયોગ કરી સરકારી નાણાંનો ગેરવહીવટ કર્યો અને આ રકમ પોતાના અંગત ઉપયોગમાં લીધી. આ સાથે જ અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.મહત્વની બાબત એ છે કે આ મામલે સ્થાનિક લોકો દ્વારા અગાઉથી જ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગામની મહિલાઓએ પણ અગાઉ ફરિયાદો નોંધાવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે પ્રજાએ ACBનો દરવાજો ખટખટાવવો પડ્યો.આ સમગ્ર કેસમાં ACBના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર સુપરવિઝન કરી રહ્યા છે, જ્યારે નાયબ નિયામક હરેશ મેવાડા ઇન્ચાર્જ અધિકારી તરીકે તપાસ આગળ ધપાવી રહ્યા છે. ACB દ્વારા દસ્તાવેજી પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શન અને સંબંધિત લોકોના નિવેદનો એકત્ર કરવામાં આવી રહ્યા છે.આ ઘટના ગ્રામ્ય સ્તરે પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટે કડક દેખરેખ જરૂરી છે. પ્રજાએ પણ આ કેસમાં દોષિતોને કડક સજા મળે તેવી માંગ ઉઠાવી છે.આગામી દિવસોમાં તપાસ વધુ ઊંડાઈએ જશે અને અન્ય સંડોવાયેલા લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે. ACBએ ખાતરી આપી છે કે તપાસ નિષ્પક્ષ રીતે થશે અને કોઈપણ દોષિતને બક્ષવામાં નહીં આવે
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો