AMC પર કોંગ્રેસનો પ્રહાર: મતદાર યાદી પ્રક્રિયામાં ગડબડીનો આરોપ મતદાર અધિકાર જોખમમાં? કોંગ્રેસે AMC સામે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો
અમદાવાદ શહેરમાં આવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય ચૂંટણી-2026 પહેલા મતદાર યાદી અંગે વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ AMCના ઇલેક્શન વિભાગ પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે માત્ર સાત દિવસનો સમય આપી મતદાર યાદી ફાઇનલ કરવાની પ્રક્રિયા નાગરિકોના મતાધિકાર પર સીધી અસર કરે છે.તેમણે જણાવ્યું કે AMC દ્વારા સોમવારે ચૂંટણી-2026 માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ યાદીની કોપી રાજકીય પક્ષોને આપવામાં આવી નથી. હવે તા. 30 માર્ચ 2026 સુધીમાં ફાઈનલ મતદાર યાદી જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે, જે સમગ્ર પ્રક્રિયાને શંકાસ્પદ બનાવે છે.કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોષીએ આ મુદ્દે સત્તાધીશો પર આડેહાથ લેતા જણાવ્યું કે માત્ર સાત દિવસમાં શહેરના લાખો મતદારોને 58 અલગ અલગ કચેરીઓ—મસ્ટર સ્ટેશન, સબ ઝોનલ ઓફિસ, વોર્ડ ઓફિસ અને ઝોનલ કચેરીઓ સહિત—પર જઈને પોતાના નામ ચકાસવાનું કહેવું વ્યવહારિક રીતે અશક્ય છે.તેમણે ખાસ કરીને શ્રમજીવી વર્ગ, ચાલીઓ, પોલો અને મધ્યમવર્ગીય વિસ્તારોમાં રહેતા નાગરિકોની સ્થિતિનો ઉલ્લેખ કર્યો. “લોકો રોજિંદા જીવનમાં ગેસ સિલિન્ડર કે પેટ્રોલ માટે લાઇનમાં ઊભા રહે છે, ત્યારે માત્ર સાત દિવસમાં મતદાર યાદી ચકાસવા માટે સમય કાઢવો અઘરો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થાય છે,” એમ તેમણે જણાવ્યું.આ ઉપરાંત AMC દ્વારા ઓનલાઈન ચકાસણી અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર ન કરવી પણ શંકા ઊભી કરે છે. સંપૂર્ણ મતદાર યાદી સરળતાથી ઑનલાઇન ઉપલબ્ધ નથી કે ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, જે પારદર્શિતાના અભાવ તરફ ઈશારો કરે છે.કોંગ્રેસે માંગ કરી છે કે તાકીદે મતદાર યાદીનો ડ્રાફ્ટ તમામ રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવે અને નાગરિકોને નામ ચકાસણી માટે પૂરતો સમય આપવામાં આવે. સાથે સાથે, દરેક નાગરિક પોતાનું નામ ઑનલાઇન તપાસી શકે અને સંપૂર્ણ મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.ડૉ. દોશીએ અંતમાં જણાવ્યું કે “મતદાર યાદી ફાઈનલ કરવાની ઉતાવળ ‘વોટ ચોરી’ની શંકાને મજબૂત બનાવે છે. લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે જરૂરી છે કે ચૂંટણી પ્રણાલી નિષ્પક્ષ અને સૌ માટે સરળ બને.”આ મુદ્દે હવે AMC તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને ચૂંટણી પંચ શું પગલાં લે છે તે જોવું રહ્યું.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો