AMCનો કડક ડંડો: વટવામાં ગેરરીતિ કરનાર બિલ્ડર સામે મોટી કાર્યવાહી, લાયસન્સ સસ્પેન્શનની ચેતવણી
અમદાવાદ શહેરમાં બાંધકામ નિયમોના ઉલ્લંઘન મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ઝોનના વટવા વિસ્તારમાં ચાલી રહેલા એક બાંધકામ પ્રોજેક્ટ સામે AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત માલિક, ડેવલોપર, એન્જિનિયર તથા સુપરવાઇઝરને શોકોઝ નોટિસ ફટકારી છે.મળતી માહિતી મુજબ ટી.પી. સ્કીમ નં. 58 (વટવા આઉટફિલ્ડ-1) હેઠળ આવેલા ફાઇનલ પ્લોટ નં. 13, સબ પ્લોટ નં. 2 પર “જય જલારામ બિલ્ડકોન” દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે, જ્યારે રિધમ એન્ટરપ્રાઇઝ ડેવલોપર તરીકે કાર્યરત છે. AMCના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગે આ સાઇટનું નિરીક્ષણ કરતાં અનેક ગંભીર ખામીઓ સામે આવી છે.
ખાસ કરીને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી ગ્રીન નેટ, સેફ્ટી નેટ અને અન્ય સલામતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી નથી. આ મુદ્દે AMC દ્વારા અગાઉ પણ લેખિત અને મૌખિક રીતે અનેકવાર ચેતવણી આપવામાં આવી હતી. છતાં બિલ્ડર અને સંબંધિત જવાબદારો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી, જે અત્યંત ગંભીર બેદરકારી ગણાય છે.AMCએ પોતાના નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે સાઇટ પર સલામતી જાળવવાની પ્રાથમિક જવાબદારી માલિક, ડેવલોપર, એન્જિનિયર અને સુપરવાઇઝર ઉપર આવે છે. તેમ છતાં આ તમામ પક્ષોએ તેમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળતા દર્શાવી છે. આથી હવે કોર્પોરેશને કડક વલણ અપનાવીને બાંધકામની મંજૂરી (રજાચિઠ્ઠી) સ્થગિત કેમ ન કરવી અને સંબંધિત લોકોના લાયસન્સ સસ્પેન્ડ કેમ ન કરવા તેની સ્પષ્ટતા માંગવામાં આવી છે.નોટિસ મુજબ તમામ જવાબદારોને 3 દિવસની અંદર લેખિત ખુલાસો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો સમયમર્યાદામાં સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો AMC દ્વારા નિયમ મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં પ્રોજેક્ટને બંધ કરાવવો તેમજ લાયસન્સ સસ્પેન્ડ કરવાના પગલાં લેવામાં આવી શકે છે.આ ઘટનાને લઈને શહેરના બિલ્ડર વર્ગમાં ભારે ખળભળાટ મચ્યો છે. AMCના આ કડક અભિગમને કારણે હવે અન્ય બાંધકામ સાઇટ્સ પર પણ સુરક્ષા નિયમોનું પાલન થાય તે માટે દબાણ વધ્યું છે. શહેરમાં વધતા બાંધકામ અકસ્માતોને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન હવે સલામતી મુદ્દે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરે તેવું સ્પષ્ટ સંકેત મળ્યો છે.
વિશેષજ્ઞોના મતે, આ પ્રકારની કાર્યવાહી શહેરમાં બાંધકામ ક્ષેત્રમાં શિસ્ત લાવવા માટે જરૂરી છે. જો નિયમોનું કડક અમલીકરણ થશે તો શ્રમિકોની સલામતી સાથે સાથે શહેરી વિકાસ વધુ સુવ્યવસ્થિત બની શકશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો