અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નશાબંધી અને જુગાર ધારા હેઠળ વ્યાપક ડ્રાઇવ ચલાવી ૪૫ કેસ નોંધ્યા છે અને કુલ ૩૭ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે ૧૫૮ લીટર દેશી દારૂ, ૦૮ બોટલ ઈંગ્લીશ દારૂ, ૩૫૯ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૩૪ બિયર ટીન, ૦૨ સ્કૂટર અને ૦૧ કાર કબજે કરી છે. સાથે જ જુગાર ધારા હેઠળ ૦૫ કેસ નોંધાયા છે જેમાં ૧૭ લોકોની ધરપકડ કરી રૂપિયા ૨૨,૧૬૦ રોકડ તથા જુગારના સાધનો કબજે કરાયા છે.તકેદારીના ભાગરૂપે પોલીસે વિવિધ કલમો હેઠળ પણ સખત કાર્યવાહી કરી છે. બી.એન.એસ.એસ. કલમ ૧૨૬, ૧૨૮, ૧૨૯ અને ૧૭૦ હેઠળ કુલ ૭૩ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત પ્રોહિબિશન હેઠળ ૧૫ અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરાઈ છે.શહેરમાં છેતરપીંડીના કેસોમાં પણ વધારો નોંધાયો છે. ઈસનપુર વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલાવી રૂપિયા ૧.૮૦ લાખની છેતરપીંડી કરવામાં આવી છે. અજાણ્યા શખ્સે વાતચીતમાં ફસાવી ડેબિટ કાર્ડ બદલી અને પિન મેળવી રકમ ઉપાડી લીધી હતી.નારોલ વિસ્તારમાં વીમા પોલિસીના નામે ફોન કરી એક વ્યક્તિ પાસેથી રૂપિયા ૩૬,૯૩૨ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલા અન્ય એક કેસમાં દુબઈમાં નોકરી અપાવવાના બહાને “ફાઇવટેક ઇન્ટરનેશનલ સર્વિસ” કંપનીએ યુવકો પાસેથી લાખો રૂપિયા લઈ છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.શહેરકોટડા વિસ્તારમાં એક વ્યક્તિનો મોબાઈલ હેક કરી યુપીઆઈ મારફતે રૂપિયા ૯૯,૦૦૦ ઉપાડી લેવાયા છે. જ્યારે ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઈન્સ્ટાગ્રામ મારફતે ડુંગળી વેચવાના બહાને રૂપિયા ૫૦,૦૦૦ની છેતરપીંડી થઈ છે.આ ઉપરાંત ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે ચાલતા જતા એક મહિલાની ગળામાંથી રૂપિયા ૧.૭૦ લાખની સોનાની ચેઇન બાઈક સવાર બે શખ્સોએ ખેંચી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે.આ તમામ ગુનાઓની પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને અજાણ્યા લોકો કે ઓનલાઇન વ્યવહારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો